સાયબર ગઠિયાઓ દરરોજ એક નવી મોડેસ ઓપરેન્ડીથી લોકોને શિકાર બનાવી નાણાં પડાવી રહ્યા છે ત્યારે વધુ એક નવી સાયબર ફ્રોડની ઘટનામાં ગઠિયાઓ દ્વારા વેપારીને ફસાવી ઇન્સ્યોરન્સના નામે લાલચ આપી તમારા એકાઉન્ટમાં 15 લાખ પડ્યા છે અને બીજા છ મહિના રૂપીયા જમા કરો તો 72 લાખ મળશે કહીં 13.28 લાખ પડાવી લેતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કિશોરભાઈ ગમઢા નામના વેપારીએ નોંધાવી ફરિયાદ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં સાઇબાબા સર્કલની બાજુમાં આદર્શ વાટીકામાં રહેતાં કિશોરભાઈ લાભુભાઈ ગમઢા (ઉ.વ.51)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પટેલનગર શેરી નંબર 3માં સોરઠીયાવાડી સર્કલની બાજુમાં ઘડીયાળના કાચ બનાવવાનું કામ કરે છે.
વર્ષ 2018માં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તે ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ભારતીય એ.એક્સ.એ. લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેની આપી કહ્યું કે, અત્યારે અમારી કંપનીમાં એક સ્કીમ ચાલુ છે, જેમાં તમે દર વર્ષે રૂ.80 હજારનું 4 વર્ષ સુધી પ્રીમીયમ ભરવાનું બાદ 7 વર્ષે પાકતી મુદ્દતે રૂ.7 લાખનો ઇન્સ્યોરન્સ તમને મળશે.
80,000 લેખે ત્રણ વર્ષ સુધી રૂ.2.40 લાખ જમા કરાવ્યા હતા આ સ્કીમમાં રસ પડતા ફોન કરનાર વ્યક્તિના જણાવ્યા મુજબ તેણે આપેલ બેન્ક એકાઉન્ટમાં દર વર્ષે રૂ.80 હજાર લેખે ત્રણ વર્ષ સુધી કૂલ રૂ.2.40 લાખ જમા કરાવ્યા હતા. બાદ આ ફોન કરનાર વ્યક્તિ પાસે ઈન્સ્યોરન્સ પેટે જે રૂપિયા જમા કરાવ્યા તેની પહોંચ અવાર-નવાર માંગી હતી પરંતુ, તેમણે કહ્યું કે, 4 વર્ષે જ્યારે તમારૂ પ્રીમીયમ પુરૂ થશે ત્યારે પોલીસી તથા તમોએ ભરેલ રૂપીયાની રીસીપ્ટ તમને મળી જશે. બાદ આ વ્યક્તિ સાથે મોબાઇલ ફોનથી કોન્ટેક્ટ કરતા મોબાઇલ નંબર બંધ આવતો હતો જેથી મારે આ વ્યક્તિ સાથે કોઈ કોન્ટેક્ટ થયો ન હતો.