દિવાળીના તહેવાર બાદ શિયાળાની ઠંડીને બદલે મેઘરાજાની પધરામણી થતાં રાજકોટ સહિત રાજ્યભરના ખેડૂતો ચિંતિત બન્યા છે અને રવીપાકના વાવેતરનું ગણિત વીંખાયું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત ધીમી ધારે વરસાદ અને ધ્રાબડિયા વાતાવરણને કારણે હજુ સુધી ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકયા નથી. જે ખેડૂતોએ મગફળી લણી લીધી હતી અને હજુ યાર્ડમાં વેચવા માટે મોકલી ન હતી અને સ્ટોરેજની વ્યવસ્થા ન હતી તેમનો પાક પલળી ગયો છે અને બીજીબાજુ વરસાદને કારણે ઘઉં, જીરું, ધાણા, લસણ, ચણા સહિતનું વાવેતર હજુ સુધી થયું નથી. હવે અગિયારસ બાદ જ વાવેતર થાય તેવા અણસાર મળી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખરીફ પાકોનું વાવેતર કરનાર ખેડૂતો મગફળીનો પાક લીધા બાદ ચણા, લસણ, ઘઉં સહિતના શિયાળુ પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ વર્ષે મેઘરાજાએ દિવાળી બાદ પણ માવઠું વરસાવવાનું ચાલુ રાખતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અને હજુ સુધી રાજકોટ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર થયું નથી.
ખેતીથી નુકસાની અંગે રાજકોટ જિલ્લામાં 71 ટીમની રચના, 10 દિવસમાં સરવે પૂરો કરાશે રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી ધોરાજી, જેતપુર, જસદણ, ઉપલેટા, લોધિકા, ગોંડલ અને વીંછિયા તાલુકાની અંદર મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે. આ માટે 71 ટીમની રચના કરવામાં આવી છે. દરેક ગ્રામસેવકને 8થી 10 ગામની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકામાં વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામસેવકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનું મોનિટરિંગ કરશે. ગ્રામસેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સરવે કરે છે તેનો ડેટા અપલોડ કરવાનો રહેશે અને સાથોસાથ ફિઝિકલ વેરિફિકેશન પણ કરશે અને તેના આધારે રિપોર્ટ જનરેટ કરી સરકારમાં જમા કરવામાં આવશે. 10 દિવસમાં આ સરવેની કામગીરી પૂરી કરવામાં આવશે. દિવાળી બાદ ત્રણ દિવસમાં ધોરાજીમાં 26, જેતપુરમાં 23, લોધિકા 20, જસદણ 20, ઉપલેટા 18, ગોંડલ 16 અને વીંછિયા 13 એમએમ વરસાદ પડ્યો છે તેને લઇને સરવે કરવામાં આવશે. ભારે વરસાદની આગાહીના પગલે તમામ તાલુકાને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. જરૂરી તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.