પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત, ‘નીસડન મંદિર’ તરીકે લોકપ્રિય અને વિશ્વવિખ્યાત એવા લંડન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરની દર્શનયાત્રાએ 1995 થી લઈને આજ છેલ્લાં ત્રીસ વર્ષમાં દેશ-વિદેશના કરોડો લોકો પધારી ચૂક્યા છે, જેમાં સામાન્ય નાગરિકોથી લઈને અનેક પ્રતિષ્ઠિત લોકોનો પણ સમાવેશ થતો રહ્યો છે. આ મંદિરની દિવ્ય આભા પ્રત્યેક દર્શનાર્થીના હૈયે અમિટ છાપ પ્રસરાવતી રહે છે.
આજે બ્રિટનના રાજવી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેઓના પત્ની ક્વીન કેમિલા નીસડન મંદિરની મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલાં ઉત્સવમાં તેમજ મંદિરની પૂર્ણતાના 30 વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે લંડનના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝના ચેરમેન જીતુભાઈ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ ઑફ વેલ્સ અને ડચેસ ઑફ કોર્નવોલ તરીકેની અગાઉની મુલાકાતો બાદ, રાજા અને રાણી તરીકે આ તેમની મંદિરની પ્રથમ મુલાકાત હતી. બ્રિટનના રાજવી પરિવારની મંદિર સાથેની આવી અનેક પૂર્વ મુલાકાતો તેઓના બી.એ.પી.એસ. હિન્દુ સમુદાય સાથેના તેઓના લાંબા સમયથી ચાલી આવતાં ઉષ્માભર્યા સંબંધોને દર્શાવે છે.