પુત્રને GSTમાં નોકરીની લાલચે નિવૃત્ત બેંક મેનેજર સાથે 8.29 લાખની ઠગાઇ

શહેરમાં રહેતી એક યુવતીને નોકરી અપાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અને હાલમાં જેલમાં રહેલા શખ્સે નિવૃત્ત બેંક મેનેજર સાથે પણ ઠગાઇ કરી હતી. નિવૃત્ત બેંક અધિકારીના પુત્રને જીએસટીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી રૂ.8,29,241 છેતરપિંડીથી મેળવી લીધા હતા.

ન્યૂ રેલનગરના મધુવન બંગ્લોઝમાં રહેતા અને એસબીઆઇની જીમખાના બ્રાંચના નિવૃત્ત મેનેજર જગદીશભાઇ બટુકભાઇ ચૌહાણે (ઉ.વ.61) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંજીવાડામાં રહેતા દેવરાજ વાલજી ગોહેલનું નામ આપ્યું હતું. જગદીશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે દશ વર્ષ પહેલાં ઉપરોક્ત બ્રાંચમાં અને ત્યારબાદ જલારામ-2માં આવેલી બ્રાંચમાં ફરજ બજાવતા હતા ત્યારે બેંકમાં નાણાં જમા કરાવવા આવતાં દેવરાજ ગોહેલ સાથે પરિચય થયો હતો અને વાતચીતના વ્યવહાર શરૂ થયા હતા.

એક વખત બેંકની બહાર ચા પીવા ગયા હતા ત્યારે દેવરાજે તમારો પુત્ર શું કરે છે તેમ પૂછ્યું હતું, પુત્ર જયપાલ જીએસટીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હોવાનું કહેતા દેવરાજે તમારા દીકરાને કાયમી કરાવવો હોય તો આઠેક લાખનો ખર્ચ થશે તેમ કહેતા જગદીશભાઇ તૈયાર થઇ ગયા હતા અને તેમણે દેવરાજને કટકે કટકે રૂ.8,29,241 આપ્યા હતા.

ત્યારબાદ દેવરાજે તમારા દીકરાનું કામ થઇ ગયું છે. ચાર મહિનામાં કોલલેટર આવી જશે તેમ કહી એક કોલલેટર પણ બતાવ્યો હતો અને ત્યાર પછી ઓફિસની મંડળીમાં સભ્ય થવું પડશે અને તેની ડિપોઝિટના નામે ફરીથી જગદીશભાઇ પાસેથી રૂ.55 હજાર પડાવ્યા હતા. ગત તા.14 ઓગસ્ટ 2025ના દેવરાજે ફોન કરીને જગદીશભાઇને કહ્યું હતું કે, પોતે હમણા એક માઠા પ્રસંગમાં છે જેથી ફોન ના લાગે તો ચિંતા કરતા નહીં અને તમારા દીકરાની બધી પ્રોસેસ થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *