શહેરમાં ચોમાસા દરમિયાન અનેક માર્ગોમાં મસમોટાં ખાડા પડી જતા અને રસ્તાઓ તૂટી જતા ભારે દેકારો બોલી ગયો હતો અને ત્યારબાદ મહાનગરપાલિકાએ લોકરોષ ખાળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી દરમિયાનમાં ફરી માવઠાને કારણે કામ ચાલુ હોય તેવા વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાતા મનપા દ્વારા હવે ચાલુ હોય તેવા ડામરકામ પહેલા પૂરા કરવા અને નવા ખોદકામ માટે 31 ડિસેમ્બર બાદ મંજૂરી આપવા નિર્ણય કરાયાનું જાણવા મળે છે.
ચોમાસામાં ખાડાઓને કારણે પ્રજાજનો ભારે હેરાન થયાની ફરિયાદો ઉઠ્યા બાદ લોકરોષ ખાળવા મનપાએ ત્રણેય ઝોનમાં યુદ્ધના ધોરણે પેચવર્ક તથા નવા પેવરના કામો શરૂ કરાવવામાં આવ્યા હતા. જો કે, વાતાવરણમાં પલટો આવતાં અને માવઠું વરસતા મનપાએ પહેલા બાકી ડામરકામ પૂરા કરવા નિર્ણય કર્યો છે અને ત્યારબાદ ભૂગર્ભ ગટરના કામો, પાણીની પાઇપલાઇનના નવા કામો, કેબલ વર્ક તથા ગેસની પાઇપલાઇન માટે 31મી ડિસેમ્બર બાદ જ મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. આ બાબતે કાગળ પર કાર્યવાહી કરાઈ નથી, માત્ર મૌખિક સૂચના અપાઈ છે.