દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટ ઝૂની 68,269 સહેલાણીઓએ મુલાકાત લીધી, સફેદ વાઘના બચ્ચાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીઉદ્યાન (ઝૂ) દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓથી છલકાયું હતું. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકસાવવામાં આવેલું રાજકોટ ઝૂ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થળ બની ગયું છે.તા. 21/10/2025 થી 26/10/2025 દરમિયાન દિવાળીના તહેવારોમાં કુલ 68,269 મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધી હતી. જેમાં આ ઝૂ ખાતે 06 માસ પહેલા જન્મેલા 02 સફેદ વાઘના બચ્ચાં તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. આર.કે. હિરપરાએ જણાવ્યું કે મુલાકાતીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં 6 ટિકિટબુકિંગ કાઉન્ટર શરૂ કરવા, વધારાના સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા, ફર્સ્ટ એઇડ સુવિધા, બેટરી કાર માટે અલગ સ્ટેન્ડ અને સફાઈ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાનમાં જુદી જુદી 65 પ્રજાતિઓના કુલ 592 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આમાં એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા જેવા ખાસ આકર્ષણનો સમાવેશ થાય છે. ઉપરાંત આધુનિક સાપઘર, માછલીઘર અને ઝૂ ઇન્ટરપ્રીટેશન સેન્ટર પણ મુલાકાતીઓનાં માટે આકર્ષણનું કેન્દ્ર છે.

અન્ય સમાચાર સૌરાષ્ટ્ર યુનિ.ના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. રમેશ પરમાર અને ઓડીટર લીનાબેન આગામી તા. 30ના સેવા નિવૃત્તિ થનાર છે. યુનિ.ના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. રમેશ પરમાર તથા ઓડીટર લીનાબેનની સાથે યુનિ.માં ઇલેકટ્રીશ્યન તરીકે ફરજ બજાવતા રફીક બેલીમ પણ સેવા નિવૃત્ત થનાર હોય તેઓનો નિવૃત્તિ વિદાય સમારોહ તા. 30ના યુનિ. ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ.માં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ડો. રમેશ પરમાર વર્ષ-2001માં સૌરાષ્ટ્ર યુનિ.ની સેવામાં જોડાયા હતા. 25 વર્ષની સેવા બાદ તેઓ સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. રમેશ પરમાર જુનાગઢની નરસિંહ મહેતા યુનિ.ના રજિસ્ટ્રાર તરીકે પસંદગી પામેલ છે. તેઓએ નરસિંહ મહેતા યુનિ.ના રજિસ્ટ્રાર તરીકે જોડાવા માટે રાજય સરકારની મંજુરી માંગેલ છે. રાજય સરકારની મંજુરી મળ્યા બાદ તેઓ નરસિંહ મહેતા યુનિ. ના રજિસ્ટ્રાર તરીકે જોઇન્ટ થનાર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *