અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે જેમાં 3ના મોત થયા છે. પટેલ ટ્રાવેલ્સની લકઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઇવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ પાછળથી આવતી ટ્રકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
અકસ્માતમાં 15થી વધારે લોકો ઈજાગ્રસ્ત એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે. બાકીના 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતાં રહ્યાં છે. એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. જોકે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા. મણીનગરની એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકો સારવાર લેવા માટે આવ્યા હતા.
અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ત્રણેય મહિલા દર્દી છે. ત્રણમાંથી 2 મહિલાને ફેક્ચર છે જ્યારે એક મહિલાને માથામાં ઇજા છે. ત્રણેય મહિલાઓ હાલ સારવાર હેઠળ છે.
અકસ્માત થતા બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માત થતા બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા છે. કેટલાક ઇજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે.