કોટડા સાંગાણી નજીક ખોખરી અને માણેકવાડા ગામ પાસેની વીડીમાં એક સિંહણે ઘેટાનું મારણ કર્યું છે. આ ઘટનાથી સ્થાનિક માલધારીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાજેતરમાં, વશરામભાઈ બાબુભાઈ કંડોરીયાની વાડી પાસે વાળો ધરાવતા સાગરભાઈ લાખાભાઈ ચોરીયાના ઘેટાનું સિંહણે મારણ કર્યું હતું.
આ સિંહણ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી કોટડા સાંગાણી વિસ્તારમાં જોવા મળી રહી છે. અગાઉ તેણે વાદીપરા અને પાંચતલાવડા સહિતના ગામોમાં પણ દેખા દીધી હતી.
કોટડા સાંગાણીના આર.એફ.ઓ. વી.ડી. અંટાળાએ સિંહણ દ્વારા મારણ કરાયાની ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે સ્થાનિક ખેડૂતો અને માલધારી પરિવારોને અપીલ કરી છે કે સિંહણ જોવા મળે તો તેની પજવણી ન કરે, કારણ કે તે મનુષ્ય પર પણ હુમલો કરી શકે છે.