શહેરના નાણાવટી ચોક પાસે આવેલ શ્રી જલારામ ભક્તિધામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. જેમાં સંસ્થા દ્વારા છેલ્લા 13 વર્ષથી સપ્ટેબર કે ઓક્ટોબર માસ એટલે કે, શિયાળાની શરૂઆતમાં જ અનેક પરપ્રાંતીય પરિવારો કે મજૂરોને ગોદડા, ગાદલા તથા બ્લેન્કેટની સહાય કરીને સમાજ માટે પ્રેરણાદાયી બને છે.
13 વર્ષમાં 1200થી પણ વધુ પરિવારને સહાય કરી ચૂક્યું છે તેમજ આ વર્ષે પણ 51 પરિવારને શિયાળાની શરૂઆત પહેલાં જ ગરમ ધાબળા, બ્લેન્કેટ, ગોદડા તથા ગાદલા સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ સંસ્થાની દરેક સેવાકીય પ્રવૃત્તિ માત્ર 5 લોકો દ્વારા જ કરવામાં આવે છે. જે દરેક સિનિયર સિટીઝન છે. ઠંડીના દિવસોમાં ગરીબ, નિરાધાર અને રસ્તા પર રહેતા લોકો માટે ઉષ્માનું સંવેદન આપવાના હેતુથી કાર્ય કરે છે. સંસ્થા સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાવે છે. ધાબળા વિતરણ દ્વારા તે જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ આપે છે અને સાથે સમાજમાં સહકાર, દયા અને આપણી ફરજનો ભાવ જાગૃત કરે છે.
સંસ્થાના સંસ્થાપક ચંદુબાપા જોષી 15 વર્ષ પૂર્વે સર્વ હિન્દુ જ્ઞાતિના દીકરા-દીકરીઓ માટે વિનામૂલ્યે જીવનસાથી શોધવાનું કાર્ય હાથ ધર્યું છે.
તે ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિ જેમ કે, દર 3થી 4 મહિને જરૂરિયાતમંદ લોકોને ઘઉં-ચોખાની કિટનું વિતરણ તેમજ, નેત્રહીન લોકોને કપડાં વિતરણ, ગાય માતાને ઘાસચારો, કાચા અનાજની સેવા, માનસિક રીતે અસ્વસ્થ લોકોને ભોજન, ઉનાળામાં છાશ વિતરણ સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે.