રાજકોટમાં સંબંધના દાવે એક્સપોર્ટરે મિત્રને ઉછીના આપેલા રૂ.7.50 લાખનો ચેક રિટર્ન થતા અદાલતમાં અરજી કરી હતી જે કેસ ચાલી જતા અદાલતે આરોપીને બે વર્ષની સજા અને રૂ.7.50 લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મંગળા રોડ પર મનહર પ્લોટમાં રહેતા સિદ્ધાર્થ શરદભાઇ સંઘાણીએ ગત તા.21-3-2023ના રોજ કાલાવડ રોડ પર કેકેવી ચોક પાસે અમર ગ્લોબર શોપિંગ સેન્ટરમાં રહેતા મિતેશ હરેશ વીરડિયાને સંબંધના દાવે રૂ.7.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે પેટે આરોપીએ ફરિયાદીને શાપર-વેરાવળની એક્સિસ બેન્કનો ચેક આપ્યો હતો.
જે ચેક રિટર્ન થતા સિદ્ધાર્થ સંઘાણીએ નોટિસ આપ્યા બાદ અદાલતમાં કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.આર.સોનીએ મિતેશ હરેશભાઇ વીરડિયાને તકસીરવાન ઠરાવીને બે વર્ષની સજા અને રૂ.7.50 લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમકર્યો છે.