રાજકોટ શહેરમાં હાલ તહેવારોની સિઝનમાં બજારમાં ખાદ્યચીજોની માંગ વધી છે, ત્યારે એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જેમાં એક ડેરીમાં ગ્રાહકને એક્સપાયરી ડેટ વીતી ગયેલું કોલ્ડ્રીંક વેચવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુષ્કરધામ સોસાયટી પાસે આવેલી વૃંદાવન ડેરીમાંથી એક ગ્રાહકે ખરીદેલા કોલ્ડ્રીંકમાં એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તેમણે ડેરી સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને ન્યાયની માંગ કરી છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
‘7 વર્ષની દીકરીએ કોલ્ડ્રીંક પીધું’ રાજકોટના જતિન જોષી નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, તેઓ પુષ્કરધામ સોસાયટી પાસે આવેલી વૃંદાવન ડેરીમાંથી થમ્સઅપ કોલ્ડ્રીંક લેવા ગયા હતા. ઘરે જઈને તેમની 7 વર્ષની દીકરીએ આ કોલ્ડ્રીંક પીધું, પરંતુ તેણે ફરિયાદ કરી કે કોલ્ડ્રીંકનો સ્વાદ એકદમ કડવો લાગે છે. પિતાને શંકા જતાં તેમણે બોટલની ડેટ ચેક કરતાં માલુમ પડ્યું કે કોલ્ડ્રીંકની એક્સપાયરી ડેટ વીતી ગયેલી હતી.
8 બોટલ એક્સપાયરી ડેટવાળી હતી આ બાબતે પોતે તાત્કાલિક ડેરી ઉપર પાછા ફર્યા અને દુકાનના ફ્રીજમાં તપાસ કરી હતી. તેમના કહેવા મુજબ, તેમણે પોતાના હાથે જ ફ્રીજમાંથી 7 થી 8 જેટલી થમ્સઅપની બોટલો કાઢી જેની એક્સપાયરી ડેટ વીતી ગયેલી હતી. આ અંગે ડેરી સંચાલકને પૂછતાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ગ્રાહકને માફી માંગીને વાત પતાવવા વિનંતી કરી હતી. દુકાનદારના જણાવ્યા મુજબ, માત્ર એક જ કાર્ટૂન (પેટી) એક્સપાયરી ડેટવાળું ભૂલથી આવી ગયું હતું.
એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર માલ વેચે તો જવાબદારી કોની? સમગ્ર મામલે જતિન જોષીએ દુકાનદારની લાપરવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સવાલ ઉઠાવ્યો કે તહેવારોના દિવસોમાં જ્યાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે, ત્યાં જો ડેરી સંચાલકો એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર માલ વેચે તો તેની જવાબદારી કોની? આ પ્રકારનો એક્સપાયરી માલ પીવાથી જો તેમના બાળકને કે અન્ય કોઈ ગ્રાહકને આરોગ્યને લગતી કોઈ ગંભીર અસર થાય તો તેનો જવાબદાર કોણ ગણાશે? દુકાનદાર માત્ર એક કાર્ટૂન ભૂલથી આવી ગયું હોવાની વાત કરે છે, પરંતુ આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ માલની એક્સપાયરી ડેટ ચેક કરવાની તસ્દી લેતા નથી અને માત્ર પૈસા કમાવવાની લ્હાયમાં ગ્રાહકોના આરોગ્ય સાથે જોખમ ઊભું કરી રહ્યા છે.