લાલપરી તળાવના બ્યુટીફિકેશનની તૈયારી શરૂ

રાજકોટ શહેરમાં કુદરતી ફરવાના સ્થળ તરીકે વિકસવા માટે વર્ષોથી તૈયાર રહેલા પૂર્વ ઝોનમાં આવેલા લાલપરી તળાવના બ્યુટીફિકેશન માટે રૂ.17 કરોડના કામનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

એક તરફ સફારી પાર્કના કામનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે મનપા દ્વારા હવે સમાંતર રીતે લાલપરી તળાવને ડેવલપ કરવા બ્રિજ સહિતના કામોના આયોજનને અમલી કરવા કવાયત હાથ ધરાઇ છે.

રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરની વસ્તી અને વ્યાપ ‌વધતા શહેરીજનોને હરવા-ફરવાના વધુને વધુ સ્થળોની ભેટ આપવા મનપાએ પ્રયાસો હાથ ધર્યા છે અને થોડા વર્ષ પહેલાં અટલ સરોવર અને રામવન જેવા બે સ્થળના ડેવલપમેન્ટ કરાયા બાદ હવે ઇસ્ટ ઝોનમાં પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની બાજુમાં લાલપરી તળાવને ફરવાના સ્થળ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરાયું છે.

આ નિર્ણય બે વર્ષ પહેલાં લેવાયા બાદ હવે તેની અમલવારીની દિશામાં મહાનગરપાલિકાએ ડગ માંડ્યા છે. જેના માટે મહાનગરપાલિકાએ એડવાઇઝર રાખી તેની ડિઝાઇન મુજબ મેપ તૈયાર કરી મનપાએ લાલપરી બ્યુટીફિકેશન માટે રૂ.17 કરોડના કામનો ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે.

પ્રારંભિક ધોરણે તળાવ ફરતી સાઇડના કાંઠાને કવર કરવા એટલે કે ઘાટ બનાવવા માટે માટી પુરાણ તેમજ કોંક્રીટ કામ કરવાનું હોય મનપાએ ગાર્ડન અને કોંક્રીટ સહિતના કામો માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *