રાજકોટમાં દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે લોકો નવા વર્ષે એકબીજાના ઘરે રામરામ કરવા જાય ત્યારે મોં મીઠું કરાવવાની સાથે કાજુ – બદામ સહિતનો મુખવાસ આપતા હોય છે. જે મુખવાસ લોકોના આરોગ્ય પર જોખમી ન બને તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડ્રાયફ્રુટની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન યુનિવર્સિટી રોડ ઉપર ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી ગોકુલ એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરવામાં આવતા ત્યાંથી 325 કિલો સડેલી બદામ મળી આવી હતી. જેથી આરોગ્ય શાખાની ટીમ દ્વારા રૂ.2 લાખના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં વેચાણ તથા ઉપયોગ થતો હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રાયફ્રુટ અંગેના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન શહેરના યુનિવર્સિટી રોડ ઉપર રવિરત્ન પાર્ક ચોક પાસે રવિરત્ન સોસાયટી શેરી નં.2 કોર્નર નજીક બ્લોક નં. E-270 મા આવેલા ગોકુલ એન્ટરપ્રાઇઝ પેઢીની તપાસ કરવામાં આવી હતી.