રાજકોટ શહેર આજીડેમ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એક શખસ પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વહેંચતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે માંડાડુંગર નજીક દેવકીનંદન સોસાયટીમાં વકીલસિંહ રામદરસિંહના મકાનમાં રેડ કરતા ઘરમાંથી 12.520 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા આરોપી વકીલસિંહ રામદરસિંહની ધરપકડ કરી તેની પાસેથી 1.25 લાખનો ગાંજો કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી આ જથ્થો ક્યાંથી લાવી કોને વેંચતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવ કાર્તિકભાઈ ઉમેશભાઈ ચોક્સી (ઉં.વ.46) ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે કાલાવડ રોડ પર આત્મીય યુનિવર્સીટી પાસે અચાનક બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા માથામાં અને શરીરે ઈજા પહોંચી હતી તેમને તત્કાલ બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક સોની બજારમાં કામ કરતી વખતે તબિયત બગડતા પંચનાથ હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે ડોક્ટરે બ્લડપ્રેશર લો હોવાનું જણાવ્યું હતું અને દવા પણ આપી હતી ઉપરાંત વધુ સારવાર કરાવવા પણ સલાહ આપી હતી
જોકે, કાર્તિકભાઈ વધુ સારવાર માટે તૈયાર થયા ન હતા અને પોતે દવા પીધા બાદ આરામ કરી લેશે તો સારું થઈ જશે તેમ માની ઘરે જવા માટે બાઈક પર નીકળ્યા હતા. આ દરમિયાન ચાલુ બાઈકમાં તેમને ચક્કર આવતા બાઇક પરથી પડી જતા માથામાં અને શરીરે ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેના પ્રાથમિક તારણમાં હાર્ટ એટેક આવ્યા બાદ બાઈક સ્લીપ થયા હોવાનું અનુમાન તબીબ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકભાઈ સોનાના દાગીના ઘડામણનું કામ કરતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોતે એક ભાઈ અને એક બહેનમાં મોટા હતા.