દિવાળી પૂર્વે રાજકોટ યાર્ડમાં મબલખ આવક

દિવાળીનાં તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસીઓ લઈને ઉમટી રહ્યા છે. આજરોજ પણ જણસીઓની મોટી આવક નોંધાઈ હતી. જેમાં આજે એક જ દિવસમાં 700થી વધુ વાહનોની આવક થઈ હતી. જેમાં મુખ્યત્વે સોયાબીન, કપાસ, જીરું અને સફેદ તલનો સમાવેશ થાય છે. આજના દિવસની જણસીઓની અંદાજિત આવકનાં આંકડા જોઈએ તો સોયાબીનની આવક 35,000 મણ, કપાસની આવક 32,000 મણ, જીરુંની આવક 10,200 મણ અને સફેદ તલની આવક 12,000 મણ થઇ હતી. ઉપરની તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં વ્યવસ્થિત ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વા.ચેરમેન, ડિરેક્ટર સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં આવેલી શિવ ટાઉનશિપની કુલ 12 દુકાનોની આજે હરરાજી યોજવામાં આવી હતી, જેમાં તમામ દુકાનોનું વેચાણ થયું હતું. હરરાજીમાં મનપાને રૂ. 3,46,00,000 ની આવક થઈ છે. હરરાજી સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ હતી અને બપોરે 2:00 વાગ્યા સુધી ચાલી હતી. આ હરરાજીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ માટે મનપાએ પ્રાઇઝ રૂ. 3,28,25,000 રાખ્યું હતું. સૌથી વધુ બોલી 19.82 ચોરસમીટરની દુકાન નં. 02 માટે રૂ. 57,00,000ની બોલાઈ હતી. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા બે અલગ-અલગ ટાઉનશિપની દુકાનોની હરરાજી કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ શિવ ટાઉનશિપની આજે હરરાજી કરવામાં આવી હતી. શરૂઆતમાં અપસેટ પ્રાઈઝ કરતાં ઓછી બોલી બોલાઈ હતી, પરંતુ પછી તમામ 12 દુકાનોનું વેચાણ થઈ ગયું હતું. મનપાને આ વેચાણથી નોંધપાત્ર આવક થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *