ચોમાસામાં બે વીજતાર પવનના લીધે અથડાય કે વૃક્ષની ડાળી તૂટે તો સ્પાર્ક થાય અને વીજળી ગુલ થઈ જાય છે. જોકે આ સમસ્યા સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ભૂતકાળ બનશે. કારણકે ખુલ્લી વીજલાઈનો મીડિયમ વોલ્ટેજ કવર કંડકટર (એમ.વી.સી.સી.) લાઈનોમાં કન્વર્ટ થઈ જતા વીજલાઈનોના સ્પાર્ક અને અકસ્માતો નહીં થાય. જેથી વીજળી ગૂલ થવાની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં વીજ પુરવઠો પૂરો પાડતા રાજકોટ સ્થિત PGVCL દ્વારા અત્યારસુધીમાં 21000 કિલોમીટર વીજ લાઈનને એમ.વી.સી.સી.માં કન્વર્ટ કરી દેવામાં આવી છે. આગામી 3 વર્ષમાં રૂ.2400 કરોડના ખર્ચે 90000 વીજ લાઇન કન્વર્ટ થતા વીજ ફોલ્ટ ભૂતકાળ બની જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. દેશના વિકાસ માટે અવિરત વીજપૂરવઠો ખૂબ જ જરૂરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ્રાહકોને વિક્ષેપ વિના અવિરત વીજ પૂરવઠો મળતો રહે તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 11 કે.વી.ની ખુલ્લી વીજલાઈનોને મીડિયમ વોલ્ટેજ કવર કંડક્ટર (એમ.વી.સી.સી.)થી કવર કરવાનો ‘ભગીરથ વિકાસ પ્રોજેક્ટ’ હાથ ધરાયો છે.