કોટડાસાંગાણીમાં ગ્રાહકના વેશમાં રેકી કરીને ગયા બાદ શખ્સે દુકાનના ડ્રોઅરમાંથી રૂ.1.41 લાખ સેરવી લીધા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
કોટડાસાંગાણી તાલુકાના રામોદમાં રહેતા કિશોરભાઈ હરિભાઈ ઉકાણી(ઉં.વ.61) નામના વેપારી દ્વારા દુકાનમાંથી રૂ.1.41 લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની સરકારી મંડળી ચોકમાં એગ્રિ બિઝનેસ સેન્ટર નામની દુકાન છે.
શનિવારે બપોરના બારેક વાગ્યે એક વ્યક્તિ ખડ બાળવાની દવા લેવાના બહાને આવ્યો બાદમાં તે દવા લઇ થોડા સમય બાદ ફરી દુકાન આગળ ઊભો હતો. ત્યારે પોતે તેને શું કામ છે તે અંગે પૂછ્યું તો તેણે કોઈ બિયારણના ડબ્બાનો ફોનમાં ફોટો બતાવી ડબ્બો ખરીદવા આવ્યો હોવાનું બહાનું બતાવ્યું હતું.
થોડી વાર બાદ પોતે બાથરૂમ કરવા માટે નજીકમાં જઈને આવ્યા બાદ દુકાનના ટેબલના ડ્રોઅરમાં જોતા સરકારી બિયારણના વેચાણના રૂ.1.41 લાખ ટેબલના ડ્રોઅરમાં જોવા ન મળતા દુકાન બહાર તે જ અજાણ્યા શખ્સને શોધવા પ્રયત્ન કર્યો હતો. પણ શખ્સ ત્યાંથી નાસી ગયો હતો આ મામલે વેપારીએ દુકાનમાં ચોરી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.