રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું ઝડપાયું

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે નંદનવન સોસાયટીમાં બ્લીસ સ્પામાં ધમધમતા કૂટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડી સંચાલક, ગ્રાહક અને બે ટેલીકોલર મહિલા સહિત કુલ ચારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા અઢી માસ દરમિયાન 10થી વધુ સ્પામાંથી કૂટણખાના ઝડપાઈ ચૂક્યા છે.

રાજકોટ શહેર ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંદનવન સોસાયટી કોર્નર પર જય અંબે સીરામીક ઉપર નાણાવટી ચોક પાસે આવેલ “બ્લીસ સ્પા”ની અંદર સંચાલક દ્વારા સ્પામાં છોકરીઓ રાખી મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એન્ટી હ્યુમ ટ્રાફિક ટીમ દ્વારા બે પંચો બોલાવી જરૂરી સૂચના આપી સ્પામાં મોકલી પંચો રૂબરૂ રેડ કરતા સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેમાં સ્પામાં ગ્રાહક પાસેથી સ્પામાં એન્ટ્રી ફી તરીકે રૂપિયા 1000 લેવામાં આવતા હતા. તથા ભોગ બનનાર દ્વારા સ્પામાં આવતા ગ્રાહકો સાથે શરીર સંબંધ માટે ગ્રાહકો પાસેથી અલગ-અલગ રૂપિયા લેવામાં આવતા હતા અને તે રૂપિયામાંથી સ્પા સંચાલક ભોગ બોનનાર પાસેથી 1000 રૂપિયા ગ્રાહક દીઠ લેતો હતો. પોલીસે કરેલ રેડમાં ભોગ બનનાર લલનાએ ગ્રાહક પાસેથી શરીરસંબંધ માટે રૂપિયા 11,500 લીધા હતા.

આરોપી સ્પા સંચાલક રાહુલ સાંડપા પોતાના આર્થિક લાભ માટે અન્ય સ્ત્રી પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું ધ્યાને આવતા પોલીસે સ્પા સંચાલક, બે ટેલીકોલર તથા ગ્રાહક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્પામાંથી પાંચ મોબાઈલ સહિત કુલ કિંમત 47,800નો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓ વિરુદ્ધ ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટ 3,4,5 મુજબનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *