બાળ આરોપીના મૂળમાંથી વાળ ખેંચવાના મામલામાંપોલીસમેન અને સફાઇ કામદાર સામે ગુનો નોંધાયો

શહેરના રૈયા રોડ પરના કનૈયા ચોકમાં યુવક પર છરીથી થયેલા હુમલાની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે એક બાળ આરોપી સહિત પાંચની અટકાયત કરી હતી. બાળ આરોપીને પોલીસ સ્ટેશનની અંદર તાલિબાની જેવી સજા આપવામાં આવી હતી અને બાળ આરોપીના મૂળમાંથી વાળ ખેંચી કાઢવામાં આવ્યા હતા અને આ કૃત્યનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. આ મામલામાં અંતે પોલીસે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સફાઇ કામદાર અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધ્યો હતો.

બાળ આરોપીના મૂળમાંથી વાળ ખેંચી નાખવાની ઘટનાનો વીડિયો ફરતો થતાં શહેર પોલીસ પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. આ ઘટનામાં બાળ આરોપીના દાદીની ફરિયાદ પરથી પોલીસે સફાઇ કામદાર શૈલેષ તથાં કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે પોલીસ કમિશનરે પ્રદીપ ડાંગરની પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે બદલી કરી નાખી હતી. સોમવારે પ્રદીપ ડાંગર પોલીસ હેડ ક્વાર્ટર્સમાં હાજર થયો હતો અને તેણે નોકરી કરી હતી. શહેર પોલીસ અન્ય કિસ્સાઓમાં આરોપીને હાથવગે કર્યા બાદ ગુના નોંધે છે, પરંતુ પ્રદીપ ડાંગર હેડ ક્વાર્ટર્સમાં નોકરી પર હતો, તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો છતાં તેની અટકાયત કે કાયદેસરની કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

માનવ અધિકાર પંચ પણ ગાઢ નિદ્રામાં: મૂળમાંથી વાળ ખેંચી કાઢવાનો જેણે આદેશ કર્યો તે એસીપી રાધિકા ભારાઇને અપાઈ ક્લીનચિટ! ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બાળઆરોપી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, તે સંદર્ભમાં પ્રૌઢાએ કરેલી અરજીમાં કહ્યું હતું કે, તેના પૌત્ર બાળ આરોપીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો હતો ત્યારે પોલીસ સ્ટેશનમાં એસીપી રાધિકા ભારાઇનો ભેટો થયો હતો તેમણે પોલીસ સ્ટાફને કહ્યું હતું કે, ‘આની હીરોગીરી કાઢો અને જે હેરસ્ટાઇલ કરીને આવ્યો છે ઇ ખેંચી ખેંચીને કાઢો અને ઠોકો સાલાને’. સફાઇ કામદાર શૈલેષ અને કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર મારકૂટ કરતા હતા ત્યારે પણ તેઓ કહેતા હતા કે, ‘અમારી મા એસીપી ભારાઇનો હુકમ છે, તને મારવો તો પડશે જ’. આ ઘટનામાં પોલીસે સફાઇ કામદાર શૈલેષ અને કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર સામે ગુનો નોંધ્યો છે, પરંતુ આ તાલિબાની સજા આપવાનો હુકમ કરનાર એસીપી રાધિકા ભારાઇ સામે કોઇ કાર્યવાહી નહીં કરીને નાના કર્મચારીઓ સામે જ હંમેશા પોલીસનો કાનૂની દંડો ઊઠે છે તે વધુ એક વખત સાબિત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *