ફ્રાન્સમાં વડાપ્રધાને 27 દિવસમાં રાજીનામું આપ્યું

ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ માત્ર 27 દિવસ કાર્યકાળ બાદ રાજીનામું આપી દીધું છે. તેમણે 9 સપ્ટેમ્બરે પદ સંભાળ્યું હતું અને 6 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોને તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

પીએમ લેકોર્નુએ રવિવારે નવા મંત્રીમંડળની જાહેરાત કરી હતી, પરંતુ માત્ર 12 કલાક પછી રાજીનામું આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. લેકોર્નુ 13 મહિનામાં દેશના ચોથા વડાપ્રધાન હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન ફ્રાન્કોઇસ બાયરોએ વિશ્વાસ મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ સપ્ટેમ્બરમાં રાજીનામું આપ્યું હતું.

ફક્ત 39 વર્ષના લેકોર્નુને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નજીકના સાથી માનવામાં આવે છે. 2022માં મેક્રોનના ફરીથી ચૂંટાયા પછી તેઓ પાંચમા વડાપ્રધાન હતા અને ગયા વર્ષે સંસદ ભંગ થયા પછી ત્રીજા વડાપ્રધાન હતા.

સંસદમાં કોઈ પણ પક્ષ પાસે બહુમતી નથી, વિપક્ષે મેક્રોનના રાજીનામાની માગ કરી

લેકોર્નુના રાજીનામાથી ફ્રાન્સમાં એક ઊંડા રાજકીય સંકટનો માહોલ સર્જાયો છે, જ્યાં સંસદમાં કોઈ પણ પક્ષ પાસે બહુમતી નથી.

જમણેરી નેતા મરીન લે પેન અને અન્ય વિપક્ષી નેતાઓએ સ્થિર સરકાર બનાવવા માટે નવી સંસદીય ચૂંટણીઓ યોજવાની હાકલ કરી છે. લે પેને કહ્યું છે કે મેક્રોન રાજીનામું આપે તે સમજદારીભર્યું રહેશે, જે માગ મેક્રોન અગાઉ નકારી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *