સેક્સ પાવર વધારવા માટેની દવાનું વેચાણ કરવા માટે રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં ધમધમતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. પોલીસે કોલ સેન્ટર પર દરોડો પાડી દવાનો જથ્થા સહિત 4 લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગ્રાહકોને પોર્ન GIF મોકલી સેક્સ પાવરની દવાનું વેચાણ કરતા હતા. ગ્રાહક દ્વારા ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરવામાં આવે તો પોલીસ કેસ કરવાની ધમકી આપી ડરાવવામાં આવતા હતા. પોલીસે કોમ્પ્યુટરની તપાસ કરાત તેમાંથી કેટલાક પોર્ન વીડિયો અને 4000થી વધુ ગ્રાહકોએ કરેલા દવાના ઓર્ડરનુ લિસ્ટ મળી આવ્યું હતું. મહત્વનું છે કે, આરોપીઓ પાસે કોઈ તબીબ લાયકાત ન હોવા છતા લોકોને ઓનલાઈન સેક્સ પાવર વધારવાના નામે દવા ધાબડી દેતા હતા.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ભાયાવદર પોલીસ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે બાલાજી મેડિકલ સ્ટોરની ઉપરની ઓફિસમાંથી એક ધમધમતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી દર્શક માકડીયા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી દર્શક દ્વારા ટેલી કોલિંગ કરવા માટે પ્રતિ વ્યક્તિને રૂ.7,000ના માસિક પગારેથી કામકાજ માટે રાખવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત દર્શક સાથે મુખ્ય સૂત્રધાર તરીકે મૂળ ભાયાવદરનો વતની અને હાલ અમદાવાદ રહેતો કિશન હોવાનું પણ સામે આવ્યું છે જે હાલ ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. દવાના મેન્યુફેક્ચરિંગ તેમજ ડિલિવરી સહિતની જવાબદારી કિશન સંભાળતો હતો અને કોલ સેન્ટર સહિતની જવાબદારી દર્શક માકડીયા સંભાળતો હતો.