પીજીવીસીએલના મેટોડા સબ-ડિવિઝનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ નાયબ ઈજનેર હિરેન હસમુખલાલ ગણાત્રા સામે બળવો કર્યો છે અને ગંભીર આક્ષેપો સાથે તેમની તાત્કાલિક બદલી કરવાની માગણી કરી છે.
જ્યારે બીજીબાજુ મેટોડા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના ઉદ્યોગકારો આ નાયબ ઈજનેરના સમર્થનમાં આવ્યા છે અને તેમની બદલી નહીં કરીને સચોટ તપાસ કરવા પીજીવીસીએલના એમ.ડી.ને લેખિત રજૂઆત કરી છે.
પીજીવીસીએલના જુદા જુદા યુનિયનોએ પણ મેટોડાના નાયબ ઈજનેરનો વિરોધ કરીને તેમની તાત્કાલિક બદલી કરવા રજૂઆત કરી છે.
ગુજરાત ઊર્જા એસ.સી,એસ.ટી એમ્પ્લોયી એસોસિએશન, ગુજરાત એમ્પ્લોઈઝ ટેક્નિકલ એસોસિએશન, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સહિતના યુનિયનોએ પણ મેટોડાના નાયબ ઈજનેરનો વિરોધ કરી તેઓ કિન્નાખોરી કરતા હોવાનું, રાગદ્વેષ રાખતા હોવાનું અને કર્મચારીઓને ઈરાદાપૂર્વક હેરાન કરતા હોવાની પીજીવીસીએલના એમ.ડી.ને લેખિત ફરિયાદ કરી છે.