મોરબી, વાંકાનેર, ગોંડલમાં ઝાપટું પડ્યું

હવામાન ખાતાની આગાહી મુજબ જ અાખો દિવસ અસહ્ય બફારો રહ્યા બાદ મોડી સાંજે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, મોરબી, વાંકાનેર તેમજ ટંકારામાં ભારે પવન સાથે જોરદાર ઝાપટું વરસી પડ્યું હતું. પળવારમાં તો માર્ગો પાણી પાણી થઇ જાય તેટલી તીવ્રતાથી વરસેલા વરસાદે નવરાત્રી સંચાલકોની ચિંતા વધારી દીધી હતી

અને ખેલૈયાઓ પણ આકાશ તરફ મીટ માંડી ઉભા રહી ગયા હતા કે અર્વાચીન રાસોત્સવમાં વરસાદ રમવા દેશે કે કેમ? જો કે થોડી જ ક્ષણોમાં વરસાદે વિરામ લઇ લેતાં નવરાત્રી સંચાલકોના શ્વાસ હેઠાં બેઠાં હતા. અને ખેલૈયાઓનો મૂડ બરકરાર રહ્યો હતો.

બીજી તરફ જસદણ ઉપરાંત આટકોટ, જંગવડ, પાંચવડા, જસાપર, જીવાપર, ભડલી, હલેન્ડા, ધોરાજી, મોટીપાનેલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને વરસાદ પડતાંની સાથે જ વીજળી ગૂલ થઇ ગઇ હતી.

ભારે પવને અમુક મંડપ ઉખાડી ફેંકયા હતા જેના લીધે અમુક આયોજનો પણ રદ કરવાની જરૂર પડી હતી. વરસાદના લીધે મગફળીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *