રાજકોટમાં આધુનિક તબીબી જગતમાં એક નવા યુગનો પ્રારંભ કરતા, રાજકોટની બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે પ્રથમવાર કિડનીની રોબોટિક સર્જરીની શરૂઆત કરવામાં આવી છે. રૂ. 8 કરોડના જંગી ખર્ચે આ અત્યાધુનિક સ્વદેશી રોબોટિક મશીન ‘મંત્ર’ વસાવવામાં આવ્યું છે, જેના કારણે હવે સૌરાષ્ટ્રના દર્દીઓને કિડની સંબંધિત ગંભીર અને જટિલ સર્જરી માટે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નહીં પડે. એટલું જ નહીં અમદાવાદ અને મુંબઈમાં રૂ. 4થી 6 લાખમાં થતી સર્જરી રાજકોટમાં રૂ. 2થી 3 લાખમાં કરવામાં આવશે.
દાતાઓના સહકારથી 8 કરોડ રૂ.ના ખર્ચે રોબોટિક મશીન વસાવ્યું બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશીએ જણાવ્યું હતું કે,રાજકોટમાં કિડનીની રોબોટિક સર્જરીની શરૂઆત થવી એ સમગ્ર સૌરાષ્ટ્ર માટે મોટી સિદ્ધિ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય કિડનીના જટિલ રોગોથી પીડાતા દર્દીઓને ઓછી કિંમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર પૂરી પાડવાનો છે. આ માટે દાતાઓના સહકારથી 8 કરોડ રૂ.ના ખર્ચે આ અત્યાધુનિક રોબોટિક મશીન વસાવી શક્યા છીએ, જેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં જે સર્જરીનો ખર્ચ 4થી 6 લાખ રૂ. થતો હોય છે, તે હવે બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે માત્ર 2થી 3 લાખ રૂ.ના નજીવા ખર્ચે શક્ય બનશે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાના ઉદ્દેશથી ખાસ એક આધુનિક રોબોટિક વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ડો. જોશીએ રોબોટિક સર્જરીના ફાયદાઓ સમજાવતા કહ્યું હતું કે, આ ટેક્નોલોજી દર્દીઓ માટે અનેકગણી લાભદાયી છે. તેમાં સૌથી મોટો ફાયદો એ છે કે દર્દીને ઓછો દુખાવો થાય છે, ઓછું બ્લડ લોસ થાય છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈને વહેલા ડિસ્ચાર્જ થઈ શકે છે. આ સર્જરીમાં નાનો ચીરો મૂકવામાં આવતો હોવાથી દર્દીને સાજા થવામાં પણ ઓછો સમય લાગે છે.