રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લેતા અંદાજે 50 હજારથી વધુ મુસાફરો વોટ્સએપ આધારિત ટિકિટિંગ સેવાનો લાભ ટૂંક સમયમાં મળતો થઇ જશે. આ માટે રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા એન-પ્રોક્યોર પર કરી દેવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ પહેલને શહેરમાં ડિજિટલ પરિવહન તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસ સુવિધાનો લાભ લેતા મુસાફરોને વોટ્સએપ મારફત ટિકિટ મળી રહે તે માટે આયોજન કરાયું છે. હાલમાં મુંબઇ, નવી દિલ્હી જેવા મેટ્રો સિટી ઉપરાંત ગુજરાતમાં પણ મહેસાણા, આણંદ, વડોદરા સહિતના અમુક શહેરોમાં સિટી બસની સુવિધાનો લાભ લેતા મુસાફરો માટે વોટ્સએપ ટિકિટિંગની સુવિધા આપવામાં આવી રહી છે અને હવે આ પ્રકારની સુવિધાનો લાભ રાજકોટના નગરજનોને મળી રહે તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે અને વોટસએપ ટિકિટિંગનો સોફટવેર ડેવલપ કરતી એજન્સીઓ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. મનપા દ્વારા ટૂંક સમયમાં સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લેતા 50 હજારથી વધુ મુસાફરોને વોટ્સએપથી ટિકિટ આપવા માટે સોફટવેર બનાવતા નિષ્ણાતોને આમંત્રિત કરાયા છે. આ ટેન્ડર ત્રણ દિવસ પહેલા જ એન-પ્રોક્યોર પર પ્રસિદ્ધ કરાયું છે જે એજન્સીઓ બીડ કરશે તેની પાસે સોફટવેર હોવો જોઇએ તેવી શરતો રાખવામાં આવી છે.
મનપા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસમાં ટિકિટ ભાડાનું સંચાલન કરી શકે તેવી એજન્સીને આમંત્રિત કરવા ચાર-ચાર વખત ટેન્ડર પ્રસિદ્ધ કર્યા બાદ કોઇ એજન્સી રસ દાખવતી ન હોય આ કડાકૂટથી મુક્તિ માટે વોટ્સએપથી ટિકિટિંગનો નિર્ણય કરાયો છે.