જૂના મોરબી રોડ પર રહેતાં યુવાનનું ગયા મહિને જકાતનાકા નજીકથી શખ્સે 10 હજારની ઉઘરાણી માટે અપહરણ કરી ગાળો દઇ બેડી ચોકડી નજીક એક રિક્ષાના ગેરેજમાં લઇ જઈ ત્યાં પોતાના નાના ભાઇ સાથે મળી મીતાણા લઇ જઇ ટાંગા તોડી નાખીશ એવી ધમકી દઈ ઢીકાપાટુનો માર મારી છોડી મૂકતાં આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ થઇ છે.
આ બનાવમાં જૂના મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં રાધેશ્યામ ડેરીવાળી શેરીમાં રહેતાં વિજયભાઇ નાગદાનભાઇ કુંભરવાડિયા(ઉ.વ.35) દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગિરિરાજ પાર્ટી પ્લોટ પાછળ રહેતાં રાજન હસુભાઇ બાબરિયા અને તેના નાના ભાઇ દેવનું નામ આપ્યું હતું.
વિજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે રિક્ષા ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે. ગત 30/08ના રોજ તે અને તેના પિતરાઈ રાજેશ કુંભરવાડિયા ચાલીને તે બંને જૂના મોરબી રોડ ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસેથી જકાતનાકા તરફ જતાં હતાં ત્યારે પાર્ટી પ્લોટના ગેટ પાસે પહોંચતા એક્ટિવા લઇને આવેલા રાજન બાબરિયાએ વાહન ઊભું રાખી કહ્યું હતું કે, મારા પિતા તારી પાસે કેટલા પૈસા માગે છે? જેથી તેણે કહ્યું કે, 10 હજાર આપવાના છે. આ રકમ તે પાંચ વર્ષ પહેલાં મંડળ ચલાવતો હતો તેના હિસાબ પેટે તેને રાજનના પિતા હસુભાઇ બાબરિયાને આપવાના છે.
પરંતુ રાજને અત્યારે જ મારે પૈસા જોઇએ છે. ત્યાં સુધી તને જવા નહિ દઉં. ગાડીમાં બેસી જા કહી તેને દબાણપૂર્વક પોતાના એક્ટિવામાં બેસાડી દીધો હતો. તેની સાથેના તેના પિતરાઈ રાજેશને તેણે ઘરે જતાં રહેવા કહ્યું હતું. ત્યારબાદ તેનું સ્કૂટરમાં અપહરણ કરી જકાતનાકા તરફ લઇ જઈ રસ્તામાં ધોલધપાટ અને ધમકી આપતા તેણે કહ્યું કે, તને તો મીતાણા લઇ જઇ તારા ટાંટિયા ભાંગી નાખવાના છે.