પૂર્વ પ્રેમિકા સાથેની તસવીરો તેના મંગેતરને મોકલી ધરાર પ્રેમીએ સગાઈ તોડાવી નાખી

રાજકોટમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયાના મારફતે સંપર્કમાં આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્ર બનેલા ધોરાજીના શખ્સે યુવતીની સગાઈ થઇ જતા યુવતી સાથેના તેના ફોટો યુવતીના મંગેતરને મોકલી તેની સગાઈ તોડાવી નાખી હતી. આ ઉપરાંત બીજા સાથે સગાઈ કરીશ તો મારી નાખીશ કહી ધમકી આપી પજવણી કરતા શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે રાજકોટમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી 27 વર્ષની એક યુવતીની ફરિયાદ પરથી ધોરાજીના ગૌરવ રાજેશભાઇ રિજવાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે સાતેક મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે ધોરાજીના ગૌરવ રિજવાણી સાથે સંપર્કમાં આવતાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. બાદમાં બંને અવાર-નવાર મળતાં હતાં. ત્યારબાદ ગૌરવે તેણીને લગ્નની વાત કરતા તેણીએ કહ્યું હતું કે, આપણા પરિવારની સહમતી હોય તો સારું હું મારા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરીશ નહિ. ત્યારબાદ ગૌરવની ખરાબ આદતો વિશે તેણીને જાણ થતા તેણીએ વાત કરવાનું ઓછું કરી દેતા ગૌરવે વાત કરવા પ્રેશર આપ્યું હતું. આથી તેણીએ તેને બધી સોશિયલ મીડિયા એપમાં બ્લોક કરી દીધો હતો.

દરમિયાન બે મહિના પહેલાં તેની સગાઇ થઇ હતી. તે અંગે ગૌરવને જાણ થઇ જતાં તેણે અજાણ્યા નંબરમાંથી ફોન કરી કહ્યું હતું કે, મને પૂછ્યા વગર કેમ સગાઇ કરી લીધી? હું તારી સગાઇ ક્યાંય થવા નહિ દઉં. બાદમાં આ ગૌરવે તેના મંગેતરનો સંપર્ક કરી તેને બંનેના સાથે હોય એવા ફોટો મોકલી દેતા મંગેતરે સગાઇ તોડી નાખી હતી. જેની જાણ થતાં તેણીએ ગૌરવને કોલ કરી હેરાન ન કરવાનું જણાવ્યું હતું પણ તેણે ધમકી આપી હતી કે, તારી સગાઇ બીજે થવા જ નહિ દઉં અને જો સગાઇ કરીશ તો તને જાનથી મારી નાખીશ. ગૌરવ સતત અલગ અલગ નંબરમાંથી ફોન કરી હેરાન પરેશાન કરી ધમકી આપતો હોઇ યુવતીએ ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *