રાજકોટનાં MLA ટીલાળાએ ટીપી, સફાઈ, દબાણો હટાવવા સહિતનાં પ્રશ્નો ઉઠાવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યો-સાંસદોની રજૂઆતો માટે આજે સંકલનની બેઠક મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં MLA ટીલાળાએ ટીપી, સફાઈ, દબાણો હટાવવા સહિતનાં પ્રશ્નો ઉઠાવતા મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ ત્વરિત પગલા લેવા માટે આદેશ આપ્યા હતા. MP-MLA દ્વારા કરવામાં આવતી તમામ ફરિયાદો માટે મ્યુ. કમિશનર દ્વારા એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

‘ઇ-સંકલન’ નામના આ પોર્ટલમાં એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે. આ અપડેટ હેઠળ, હવે MP-MLA દ્વારા કરવામાં આવતી રજૂઆત સીધી જ સંબંધિત વિભાગના અધિકારીને મેસેજ દ્વારા મળી જશે અને તેના પર થયેલી કાર્યવાહી અંગેનો જવાબ પણ તેમને મેસેજથી જ મળશે.

ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા ખાતે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડૉ. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી. આ રજૂઆતોમાં ટાઉન પ્લાનિંગ, સફાઈ, દબાણ હટાવ, અને ટ્રાફિક સર્કલ સહિતના પ્રશ્નો મુખ્ય હતા. કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓને આ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

મહાનગરપાલિકાએ ઓનલાઇન પોર્ટલ/ડેશબોર્ડ બનાવ્યું આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજકોટ મહાનગરપાલિકાએ આ ઓનલાઇન પોર્ટલ/ડેશબોર્ડ બનાવ્યું છે, જેનો હેતુ ધારાસભ્યો અને સાંસદોને તેમની રજૂઆતોનું સ્ટેટસ સરળતાથી ટ્રેક કરવાની સુવિધા આપવાનો છે. આ પોર્ટલ પર તેઓ કોઈપણ જગ્યાએથી ફરિયાદ, પ્રશ્નો કે રજૂઆતો કરી શકે છે. તેના સંબંધિત ફોટો પણ અપલોડ કરી શકે છે. જ્યારે અધિકારીઓ દ્વારા આ રજૂઆતો પર કામગીરી કરવામાં આવશે, ત્યારે તેનો વિગતવાર અહેવાલ અને ફોટોગ્રાફ્સ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. જેથી ચૂંટાયેલા પ્રતિનિધિને સંપૂર્ણ જાણકારી મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *