રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે ઘી, માખણ, પનીર, દાળ ફ્રાય સબ્જી અને મિક્સ વેજીટેબલ સહિતની વસ્તુના નમુના લીધા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી દુકાનો અને હોટેલોમાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 6 ખાદ્ય પદાર્થના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ પીડીએમ કોલેજ નજીકના હોકર્સ ઝોનમાંથી 16 સ્થળોએ તપાસ કરી 5 વેપારીને લાયસન્સ માટે નોટિસ ફટકારવામાં આવી હતી.

નમુનાની કામગીરી

મે. વ્રજ પાર્લર, નાનામવા રોડ: આ પાર્લરમાંથી ‘VENU’ બ્રાન્ડના ગાયના દેશી માખણ (1 કિલો પેક) અને ‘VENU GHEE’ બ્રાન્ડના શુદ્ધ દેશી ગાયના ઘી (500 મિલી પેક)ના નમૂના લેવામાં આવ્યા હતા.

બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી, ક્રિસ્ટલ મોલ: આ રેસ્ટોરન્ટમાંથી તાજા હાઈ ફેટ પનીર (1 કિલો પેક) અને બટર ચિકન મસાલા (લૂઝ)ના નમૂના લેવાયા.

ધ પાઈનાવિન્ટા હોટેલ, ગોંડલ રોડ: આ હોટેલમાંથી દાળ ફ્રાય સબ્જી (લૂઝ) અને મિક્સ વેજીટેબલ સબ્જી (લૂઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા.

આગળની કાર્યવાહી અને દંડની જોગવાઈઓતમામ નમૂનાઓને ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ પૈકીનો કોઈ નમૂનો ‘સબ-સ્ટાન્ડર્ડ’ (sub-standard) કે ‘મિસબ્રાન્ડેડ’ (misbranded) જણાશે, તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં દંડ અને અન્ય સજાની જોગવાઈઓનો સમાવેશ થાય છે. લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે માટે આવી કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *