જેતપુરના નવાગઢમાં મહિલા પાસેથી ચાર સાડી, સોનાની બૂટી લઇ જઇ છેતરપિંડી

જેતપુરમાં એક પરપ્રાંતીય મહિલાએ જૂના વાસણ, તેમજ કપડાઓના બદલામાં નવા વાસણ તેમજ પૈસા આપવાની લાલચ આપી નવાગઢમાં એક મહિલા પાસેથી ચાર સાડી અને સોનાની બુટી લઈ જઈ છેતરપિંડી આચર્યાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવની જાણવા મળતી માહિતી અનુસાર જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં એક પરપ્રાંતીય હિન્દી ભાષી મહિલા ઘરે ઘરે ફરી ઘરમાં મહિલાઓ હોય તેઓ પાસેથી જૂના વાસણોના બદલામાં થોડા પૈસા લઈ નવા વાસણો બનાવી આપવાનું જણાવતી હતી. જે જોઇ ભાનુબેન ક્યાડા નામની મહિલાએ આ મહિલાને એક જૂનું તૂટેલું તપેલું આપ્યું હતું,

જેના બદલામાં બીજા દિવસે લોખંડનું તપેલું પરપ્રાંતીય મહિલા આપી ગઇ હતી અને આ રીતે મહિલાઓનો વિશ્વાસ કેળવી પોતાના શેઠ નેપાળી હોઇ, પુતળાને સાડી અને સોના ચાંદીના ઘરેણાં પહેરાવીને ફોટા પાડે છે, તમે મને સાડી અને ઘરેણાં અાપશો તો હું બીજા દિવસે પરત આપી જઇશ અને ભાડાના પૈસા પણ આપીશ તેવી લાલચ આપી હતી.

આથી ભાનુબેનની દીકરી અસ્મિતાએ ચાંદીની વીંટી આપી હતી, બીજા દિવસે આ મહિલા ચાંદીની વીંટી અને સાથે છાશ ભરવાનું બોઘરણું આપી ગઇ હતી ત્યાર બાદ આ મહિલાએ એવી લાલચ આપી કે તમે 12 સાડી આપો તો 2,400 રૂપિયા આપશું અને ઘરેણાં આપો તો તેની સામે પૈસા આપીશું. આથી ભાનુબેને ચાર સાડી અને અડધા તોલાની એક જોડી સોનાની કાનની બુટી તથા એક ચાંદીની વીંટી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *