રાજકોટમાં નવરાત્રિની આજે પહેલાં નોરતે જ ભવ્ય ઉજવણી શરૂ થઈ હતી. ઠેરઠેર ક્લબ, પાર્ટી પ્લોટ, શેરી ગરબા સહિત વિવિધ જગ્યાઓ પર ગરબા રમવા ખેલૈયાઓ પહોંચ્યા હતા. ત્યારે રાજકોટમાં પહેલા નોરતાએ જ દાંડિયા અને ગરબાના શોખીનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજકોટમાં નવરાત્રિનો પાવન પર્વ જોરશોરથી શરૂ થયો છે, જ્યાં પ્રથમ નોરતે આસ્થા અને ઉત્સાહનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. શહેરની રક્ષા કરતી માતા આશાપુરાના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે, જ્યારે શહેરમાં આયોજિત ગરબા મહોત્સવોમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. નવરાત્રિના પ્રથમ નોરતાએ જ આખું શહેર ગરબાના રંગે રંગાઈ ગયું હતું.
રાજકોટના રાજવી પરિવારે 1935માં સ્થાપેલું આશાપુરા માતાનું મંદિર શહેરની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. એવી માન્યતા છે કે માતાજી રાજકોટ શહેરની રક્ષા કરે છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં માતાજીને દરરોજ ત્રણ વખત સાડીનો શણગાર કરવામાં આવે છે. આ શણગાર ભક્તો દ્વારા તેમની માનતા પૂરી થયા બાદ અર્પણ કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન રાજવી પરિવારના રાણીસાહેબ વહેલી સવારે 4:30 કલાકે પોતે માતાજીનો શણગાર અને પૂજા કરે છે. આ મંદિરના પરિસરમાં આવેલા પીપળા પર દોરો બાંધીને પ્રદક્ષિણા કરવાથી અખંડ સૌભાગ્ય મળે તેવી લોકવાયકા પણ પ્રચલિત છે.