2025નું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે, ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રી પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. આદ્યાશક્તિની આરાધનાનું પાવન પર્વ નવરાત્રી શરૂ થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે રાજકોટ માટે આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાનના રિપોર્ટ અનુસાર 22મી સપ્ટેમ્બરથી બે દિવસ રાજકોટમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ બે દિવસ દરમિયાન વીજળીના ચમકારા અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નવરાત્રીની શરૂઆતમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ ફરી 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
રાજકોટમાં 22 સપ્ટેમ્બરે તાપમાન 34 ડિગ્રી અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 23-25 સપ્ટેમ્બરે હવામાન વાદળછાયું રહેશે અને હળવા વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બર બાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.