રાજકોટ શહેર LCB ઝોન-2 ટીમે છેલ્લા ચાર માસથી નાસતા ફરતા એક આરોપીને દબોચી લીધો હતો. આ આરોપી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB ઝોન-2 ટીમના કર્મચારીઓએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું હતું. અને ચોક્કસ બાતમીના આધારે આ શખ્સ રવિરાજ ગોવાળિયાને ગઢડાના રાયપર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન, પોલીસે ખૂબ જ અસરકારક અને પદ્ધતિસરની કાર્યવાહી કરી. આરોપીની ધરપકડથી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
અન્ય બનાવમા રાજકોટ શહેરમાં ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ અભિયાન અંતર્ગત, સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતા ફરતા આરોપી કૃણાલગીરી રાજેશગીરી ગોસ્વામીને પકડી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એક સંયુક્ત ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીના આધારે પોપટપરા વિસ્તારમાંથી આ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરતા, તે સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે. તેમજ રાજકોટનાં આજીડેમ પોલીસમાં પણ આરોપી સામે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું ખુલ્યું છે. હાલમાં આ પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે સાયલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.