રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકા મામલતદાર કચેરીના કથિત ચોરી પ્રકરણમાં કલેક્ટરે તપાસના આદેશો આપ્યા છે. આ પ્રકરણમાં તાલુકા મામલતદાર પાસેથી રિપોર્ટ મગાવવામાં આવ્યો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. કોટડાસાંગાણી તાલુકા મામલતદાર કચેરીમાં મહિલા નાયબ મામલતદારના પર્સમાંથી રૂ.5 હજારની ચોરી થયાની ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ પ્રકરણમાં પુરૂષ નાયબ મામલતદાર સામે ચોરીના આક્ષેપ મુકવામાં આવ્યો છે.
જ્યારે સીસીટીવીની ચકાસણી કરતા આવી કોઈ ઘટના સામે આવી નહીં હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ પ્રકરણમાં સત્ય હકીકત તપાસવા માટે કલેક્ટરે તપાસના આદેશો આપ્યા છે. જે તપાસ કરીને તેનો રિપોર્ટ તૈયાર કરીને કોટડાસાંગાણી તાલુકા મામલતદારને સોંપવા આદેશ આપવામાં આવ્યા છે. જો કે આ ઘટના સાચી છે કે ખોટી ? તે હજુ તથ્ય બહાર આવ્યુ નથી. પરંતુ હવે તપાસમાં શું નીકળે છે ? તેના તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે.