ડ્રગ્સ પેડલર કાના ટિકિટની પૂર્વ પ્રેમિકાનું છરીની અણીએ કોર્ટમાં લઇ જઈ સોગંદનામું કરાવી લેવાના ગુનામાં દોઢ માસથી ફરાર કુખ્યાત ચિરાગ ઉર્ફે બકાલીને નાસતા ફરતા સ્ક્વોડ ઝોન-2 ટીમે ઝડપી પાડ્યો હતો. અફરોજબેન ઇલીયાસભાઇ આરબીયાણીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેણીને કાના ટિકિટના ભાઈ બાવકાએ ન્યારી ડેમના પાટીયા નજીક મળવા બોલાવી કારમાં અપહરણ કર્યુ હતું અને કહ્યું હતું કે તે જ મારા ભાઈ કાના ટિકિટ વિરુદ્ધ એસઓજીને ડ્રગ્સની બાતમી આપી છે. જે બાદ છરીની અણીએ કોર્ટમાં લઇ જઈ અગાઉથી તૈયાર કરેલ સોગંદનામા પર સહી કરાવી લીધી હતી.
ફરાર કુખ્યાત આરોપી ઝડપાયો ‘એસઓજીના દરોડા દરમિયાન ટિકિટ અને કડી પાસે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો ન હતો, હું પણ દરોડા સમયે ત્યાં હાજર જ હતી’ તેવા સોગંદનામા પર અફરોઝબેન પાસે સહી લઇ લેવામાં આવી હતી તેવું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું હતું. અત્રે નોંધનીય છે કે, એસઓજીએ કુખ્યાત કાનો ટિકિટ અને રણજીત કડી પાસેથી આશરે રૂ. 40 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. જે બાદ નાસતા ફરતા સ્ક્વોડ ઝોન-2 ની ટીમે અપહરણ, ખૂનની ધમકી સહિતના ગુનામાં છેલ્લા દોઢ માસથી ફરાર કુખ્યાત ચિરાગ ઉર્ફે બકાલી રાજેશ મકવાણા (ઉ.વ. 38 રહે. મેટોડા ગેટ નંબર-3, શ્રીરામ હોસ્પિટલ કમ્પાઉન્ડ સામે, રાજકોટ અને મૂળ રહે. આનંદનગર, બાપાસીતારામ ચોક, રાજકોટ)ની કણકોટના પાટીયા નજીકથી ધરપકડ કરી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ હત્યાની કોશિશ, આમર્સ એક્ટ, દારૂ સહિતના કુલ 13 ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ તે અગાઉ એક વાર પાસાની સજા પણ કાપી ચુક્યો છે.