રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી અને હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે સર્વેલન્સ અને ચેકિંગની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત આજે ગાયત્રી મદ્રાસ કાફે, ઝીલ પીઝા બફેટ તેમજ અજેન્દ્ર ડેરી અને ગોવિંદમ ડેરીમાંથી મંચુરિયન, પનીર બટર મસાલા, ગાયનું દૂધ સહિતનાં નમુના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળ સાબિત થશે તો વેપારી સામે પગલાં લેવાશે. ઉપરાંત આજે બજરંગ વડાપાઉં અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સને નોટિસ આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિવિધ સ્થળોએથી કુલ 5 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં ગાયત્રી મદ્રાસ કાફેમાંથી “ANMOL SUPER REFINED KAPAASIYA TEL”, જીલ પીઝા બફેટ રાજકોટ LLP. માંથી “મંચુરિયન (પ્રિપેર્ડ-લુઝ)” અને “પનીર બટર મસાલા (પ્રિપેર્ડ સબ્જી-લુઝ)”, અજેન્દ્ર ડેરી ફાર્મમાંથી “પનીર (લુઝ)”, અને ગોવિંદમ ડેરી ફાર્મમાંથી “ગાયનું દૂધ (લુઝ)”નો સમાવેશ થાય છે. આ નમૂનાઓને વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહાપાલિકાના ફૂડ વિભાગે ગિરિરાજનગર મેઇન રોડ પર આવેલા “બજરંગ વડાપાઉં” અને વિવેકાનંદનગર-09 મેઇન રોડ પર આવેલા “શ્યામ ડેરી પ્રોડક્ટ્સ”ને નોટિસ પાઠવી હતી. “બજરંગ વડાપાઉં”ને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન અને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી, જ્યારે “શ્યામ ડેરી પ્રોડક્ટ્સ”ને યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.