કુવાડવા રોડ પર પંક્ચર સાંધવાની દુકાને લોખંડની વેક્સ કામની ટાંકીમાં હવા ભરતી વખતે ટાંકી ફાટતાં નવાગામના યુવકનું ઇજા થવાથી મોત નીપજ્યું હતું. બનાવથી એ વિસ્તારમાં થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી.
નવાગામના દિવેલિયાપરામાં રહેતો રોહિત રમેશભાઇ ડાભી કુવડાવામાં ભગીરથ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી પંક્ચર સાંધવાની દુકાને ગયો હતો અને પોતાની પાસે રહેલી ટાંકીમાં હવા ભરવાનું કહ્યું હતું.
દુકાન સંચાલકે ટાંકી જૂની હોવાથી હવા ભરી દેવાની ના કહેતા રોહિતે પોતાની જાતે હવા ભરવાનું શરૂ કર્યું હતું. હવા ભરતા જ પ્રેશર વધ્યું હતું અને ટાંકી ધડાકા સાથે ફાટી હતી. ટાંકી ફાટતા લોખંડના ટુકડા રોહિતના મોઢા સહિતના શરીરના ભાગોમાં ખૂંચી ગયા હતા અને તે લોહીલુહાણ થઇ ગયો હતો. રોહિતને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.