રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાંથી બાઈકની ચોરી કરી કાગળ વગર જ વેચાણ કરી નાખતા બે શખ્સોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ચોરીના 10 બાઈક સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ રાજકોટ, જામનગર સહિતના વિસ્તારમાંથી બાઈકની ચોરી કરતા હતા ત્યારબાદ આ બાઈક બેંકે સીઝ કર્યા હોવાનું કહી ખેડૂતોને 10 થી 15 હજારમાં વેંચી નાખતા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ પોરબંદર જિલ્લાના છે અને બંને સામે ભૂતકાળમાં પ્રોહિબિશન અને લૂંટના 6-6 ગુનાઓ નોંધાયેલા છે. બાઈકચોરીના આ રેકેટમાં હજી વધુ લોકોની સંડોવણી ખુ્લલી શકે છે.
પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ પોરબંદરનાં 26 વર્ષીય જયમલ સુંડાવદરા અને દ્વારકાનાં 22 વર્ષીય લખમણ ખુંટી તરીકે થઈ છે. પોલીસે આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી ચોરાઉ મોટરસાયકલ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ રાજકોટ – જામનગરના વિવિધ વિસ્તારોમાંથી આ મોટરસાયકલની ચોરી કરતા હતા. આ મોટરસાયકલ તેઓ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં વેચતા હતા. આ રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું હતું.