રાજકોટથી ચીન વાયા કોલકાતા ફ્લાઈટ શરૂ કરવા પ્રપોઝલ

રાજકોટના નવનિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ વિદેશી ફ્લાઇટ શરૂ કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટથી ચીન માટે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા માટે સત્તાવાર પ્રપોઝલ મૂકવામાં આવી છે. જો આ પ્રપોઝલને મંજૂરી મળશે તો રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સપ્ટેમ્બર-2023થી શરૂ થયાના બે વર્ષ બાદ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાનનો પ્રારંભ કરશે, જે રાજકોટના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન બનશે. આ પ્રસ્તાવિત ફ્લાઈટ રાજકોટથી કોલકાતા અને ત્યાંથી સીધી ચીન જશે. આ ફ્લાઇટ શરૂ થવાથી સ્થાનિક ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સરળ બનશે.

હાલમાં આ દરખાસ્ત માત્ર મંજૂરીની પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં છે. જોકે, આ પહેલ રાજકોટને વૈશ્વિક વેપાર અને પર્યટનના નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરવામાં મદદ કરશે તેવી આશા રાખવામાં આવે છે. આ ફ્લાઇટ શરૂ થવાથી રાજકોટના વિકાસને પણ વેગ મળશે.તારીખ 8 સપ્ટેમ્બર-2023ના રોજ રાજકોટના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ પર છેલ્લો દિવસ હતો.

ત્યારબાદ 9મી સપ્ટેમ્બરે નો-ફ્લાય ઓપરેશન જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે જૂના એરપોર્ટ પરથી નવા એરપોર્ટ પર શિફ્ટિંગ કરવામાં આવ્યું. 10મીથી નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઈટ આવન-જાવન શરૂ થઇ હતી. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયા બાદ પહેલીવાર રાજકોટથી ચીન વાયા કોલકાતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *