હેલમેટના વિરોધમાં બે હજારથી વધુ લોકો રસ્તા પર, સમિતિ બની

રાજકોટ શહેરમાં ટુ વ્હિલર ચાલક માટે 8મી સપ્ટેમ્બરથી હેલમેટ ફરજિયાત કરવા પોલીસ સજ્જ બની છે ત્યારે હેલમેટનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, શહેરમાં હેલમેટ વિરોધી સમિતિની રચના થઇ છે અને તેમાં 2 હજાર લોકો જોડાયા છે અને કોઇપણ ભોગે આ કાળા કાયદાને પાછો ખેંચવો પડશે તેવો હુંકાર કરવામાં આવી રહ્યો છે.

યુવા એડવોકેટ હર્ષિલ શાહે જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ હેલમેટ પહેરવા ઇચ્છતા નથી, પોતાની સલામતી માટે લોકો જાગૃત જ છે, તેને નિયમથી બાંધી શકાય નહીં, હેલમેટ વિરોધી સમિતિની રચના કરવામાં આવી છે અને તેમાં 2 હજાર લોકો જોડાઇ ગયા છે અને વધુ લોકો જોડાઇ રહ્યા છે, હેલમેટ બનાવતી કંપનીના આ ગોરખધંધા છે અને ઉપર લેવલે સેટિંગ કરી લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

એડવોકેટ શાહે એમ પણ કહ્યું હતું કે, પીયુસીના નામે ઉઘરાણા ચાલુ છે ત્યાં હેલમેટ થોપવામાં આવી રહી છે, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની જવાબદારી સરકાર નિભાવતી નથી અને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, વિવિધ દંડના નામે લોકોના ખિસ્સાં ખાલી કરવામાં આવી રહ્યા છે, સ્થાનિક નેતાઓ બોલી શકતા નથી, નેતાઓ લોકોનો અવાજ બનતા નથી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને ભાજપ લિગલ સેલે હેલ્મેટનો વિરોધ કર્યો છે અને તેમણે પ્રજાની સાથેનું સ્ટેન્ડ લીધું છે, તા.8ના હેલ્મેટ વિરોધી સમિતિની બેઠક મળશે અને તેમાં ભાવિ રણનીતિ ઘડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *