શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજવા અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કસોટી સત્ર દીઠ એક-એક લેવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2025-26માં, ધોરણ 9થી 12 માટે દરેક વિષયની 25 ગુણની એકમ કસોટી લેવામાં આવશે.
પ્રથમ સત્રની કસોટી 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. બીજા સત્રની કસોટી 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2025 દરમિયાન લેવામાં આવશે.
પ્રથમ સત્રની કસોટી માટે 31 ઓગસ્ટ-2025 સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે બીજા સત્રની કસોટી માટે 15 ડિસેમ્બર-2025 સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે.
શિક્ષકોએ પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષા મુજબ પ્રશ્નપત્ર જાતે તૈયાર કરવાનું રહેશે. આ માટે, બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ નમૂનારૂપ પ્રશ્ન બેંકનો ઉપયોગ કરી શકાશે. પ્રશ્નપત્રમાં હેતુલક્ષી, અતિ ટૂંકા જવાબી, ટૂંકા જવાબી અને નિબંધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો ફરજિયાત છે.