રાજકોટ શહેરની આરટીઓ ખાતે છેલ્લા કેટલાંક સમયથી તૈયાર થતો નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હવે પૂરો થવાના આરે છે.
જાણવા મળતી માહિતી મુજબ આ આધુનિક ટ્રેકનું તમામ સિવિલ વર્ક પૂર્ણ થઇ ગયું છે, જ્યારે હાલ કલરિંગ અને ફર્નિચર લગાડવાની કામગીરી ચાલી રહી છે.
આ નવો ટ્રેક એ.આઇ. આધારિત સુવિધાઓથી સજ્જ રહેશે, જેના કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આવનાર ઉમેદવારોની પરીક્ષા વધુ પારદર્શક અને ત્રુટિ રહિત બની રહેશે.
અદ્યતન સાધનો મૂકવાની જવાબદારી એક નિષ્ણાત એજન્સીને સોંપવામાં આવી છે, જે ટૂંક સમયમાં જ જરૂરી ઇન્સ્ટોલેશનનું કામ પૂરું કરશે.
આ ટ્રેક કાર્યરત થવાથી રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા વધુ સુગમ, ઝડપી અને તકનીકી રીતે અદ્યતન બનશે તેવી આશા છે.
સંભવત આગામી દોઢથી બે મહિનામાં આ નવો ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે. આ સાથે રાજકોટ RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત થવાની સાથે રાજ્યભરમાં આવા આધુનિક ટ્રેક બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ આરટીઓમાં વર્તમાન ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક વારંવાર બંધ થઇ જતો હોવાને કારણે બાજુમાં ન નવો ટ્રેક તૈયાર થઇ રહ્યો છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આશરે અડધા કરોડના ખર્ચે નવો ડ્રાઈવિંગ ટ્રેક બની રહ્યો છે.