મ્યુનિ. કમિશનરનું ઓપરેશન ગંગાજળ, સોલિડ વેસ્ટના સિનિયર ક્લાર્ક બરતરફ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.4ના બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર સામે મ્યુનિસિપલ કમિશનરે હકાલપટ્ટી કર્યા બાદ હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સિનિયર ક્લાર્ક હંસાબેન રાજેન્દ્રભાઇ નાયકને પણ ફરજમાં બેદરકારી દાખવવા બદલ બરતરફ કરવાનો લેખિત આદેશ કરતાં કામચોર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હંસાબેન નાયકને ફરજમાં બેદરકારી છતાં જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કનું પ્રમોશન આપી ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે પ્રતિનિયુક્તિના ધોરણે મુક્યા હતા, પરંતુ તેઓ આ સ્થળે પણ ફરજમાં બેદરકાર રહેતા હોય ગૌણ સેવા પસંદગી મંડળે તેમને તા.30-12-2024ના રોજ ફરજમાંથી મુક્ત કરી ફરીથી મહાનગરપાલિકાના હવાલે કર્યા હતા. ત્યારબાદ તેઓ તા.2-1-2025ના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ પર હાજર થયા હતા અને બીજા દિવસે જ તેઓએ તા.3 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી જુદી-જુદી રજાઓ મંજૂર કરવા માગણી કરી હતી, પરંતુ શાખા અધિકારીએ તે રજા નામંજૂર કરી હતી. ત્યારબાદ પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા. મ્યુનિસિપલ કમિશનરે ખાતાકીય તપાસ સોંપ્યા બાદ જીપીએમસી એક્ટ અને રાજ્ય સેવા એક્ટ હેઠળની સત્તાની રૂએ તેમને મહાનગરપાલિકાની સેવાઓમાંથી બરતરફ કરવાનો હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *