રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં વરસાદી સીઝનને કારણે વાઈરલ ઇન્ફેક્શન ગણાતા ગણાતા તાવના કેસમાં 68.93 ટકાનો વધારો થતા ચિંતા વ્યાપી છે. ગત અઠવાડિયે સામાન્ય તાવના કેસ 639 કેસ હતા. જેમાં આ અઠવાડિયે 288ના ધરખમ વધારા સાથે 927 કેસ સામે આવી ચૂક્યા છે. આ જ રીતે મેલેરિયાના 2 તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો 1-1 કેસ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત ટાઈફોઈડ તાવના 3 તો કમળાના 4 નવા કેસ છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. આ સાથે જ કોર્પોરેશન દ્વારા અઠવાડિયામાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 328 અને કોર્મશીયલ 222 આસામીને નોટિસ ફટકારવામાં આવી છે.
એક અઠવાડિયામાં વાઈરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ શહેરમાં મેલેરિયાના 2 તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 1-1 કેસ સામે આવ્યા છે. જ્યારે વરસાદને કારણે તાવના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સામાન્ય તાવના 927 તો ટાઈફોઈડના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. જ્યારે શરદી-ઉધરસના 939 કેસ સામે આવ્યા છે.
પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયા કુલ 568 જગ્યાએથી કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.18થી તા.24 ઓગસ્ટ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 71,434 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1463 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યું છે.