મેળામાં રેસકોર્સ ફરતે નો-પાર્કિંગ, અનેક માર્ગો પર વાહન પ્રવેશબંધી

ગુજરાતમાં પ્રખ્યાત રાજકોટનો લોકમેળો આગામી તા.14થી 18 ઓગસ્ટ સુધી રેસકોર્સ મેદાનમાં યોજાશે. આ લોકમેળામાં રાજ્યભરમાંથી લોકો આવતા હોય ટ્રાફિક સમસ્યા સર્જાઇ નહીં અને લોકો મોજથી મેળો માણી શકે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી રિંગ રોડ ફરતે નો-પાર્કિંગ જાહેર કર્યું છે. તેમજ કેટલાક રસ્તા પર વાહન પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ રસ્તાઓ પર વાહનોને પ્રવેશબંધી જાહેરનામા મુજબ રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂની એનસીસી ચોક, આમ્રપાલી અંડરબ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ અને બંને બાજુ નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી અને સીઆઇડીની ઓફિસથી રૂરલ એસપીના બંગલા સુધી તેમજ સૂરજ-1 એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી કરાઇ છે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. રેસકોર્સ રિંગ રોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેંકડી રાખવાની મનાઇ ફરમાવાઇ છે. વિશ્વા ચોકથી જૂની એનસીસી ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને બંને બાજુ નો-પાર્કિંગ જાહેર કરાયો છે. મહિલા અંડરબ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લક્ઝરી બસ કિસાનપરા ચોક તરફ પ્રવેશ બંધ કરાયો છે.

વાહનચાલકો માટે આ માર્ગો ખુલ્લા રહેશે ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી ગાંધીગ્રામ તરફ જઇ શકાશે, તથા શ્રોફ રોડ, ચાણક્યા બિલ્ડિંગ ચોકથી ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજથી રૈયા રોડ તરફ અવરજવર કરી શકાશે. પ્રાઇવેટ લક્ઝરી બસ મહિલા અંડરબ્રિજથી ટાગોર રોડ જઇ શકશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે પાસ ધારક વાહનચાલકો 10 કિમીની ઝડપથી વધુ વાહન ચલાવી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *