ઉત્તર ગુજરાત યુનિ.માં Ph.Dની 586 બેઠક જાહેર, સૌરાષ્ટ્રમાં માત્ર 105!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025 માટે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની જાહેરાતમાં ખાલી બેઠકોની સંખ્યા 96 અને ફાર્મસીની 9 સીટ સહિત કુલ 105 દર્શાવી છે, પરંતુ કોલેજોના અધ્યાપકો, આચાર્યોને આ પ્રક્રિયામાંથી બાકાત કરી દેવાતા આ અંગે હવે પીએચ.ડી.નો વિવાદ વકર્યો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પણ પીએચ.ડી.ની 586 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી છે જ્યારે બીજીબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર 105 વિદ્યાર્થીને જ પ્રવેશ મળશે. હજુ જો કોલેજોના પ્રોફેસરો, આચાર્યો અને અન્ય ગાઈડને સમાવવામાં આવે તો સૌરાષ્ટ્રની સંખ્યા પણ 300 સુધી થઇ શકે છે, પરંતુ આવું નહીં થતા સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યાપક મંડળે પણ કુલપતિને લેખિત રજૂઆત કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ ડૉ. કિરપાલસિંહ પરમાર અને મહામંત્રી ડૉ.નારણભાઈ ડોડિયાએ VCને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકોને છેલ્લા ઘણા સમયથી અધ્યાપકો તથા નવા અધ્યાપક સહાયકોને અનુસ્નાતક શિક્ષક તરીકેની માન્યતા આપવામાં આવતી નથી. જૂના અધ્યાપકો જે વર્ષોથી ગાઈડશિપ ધરાવે છે, તેમને પણ પીએચ.ડી. માટેના નવા વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે નહીં. એક બાજુ અધ્યાપકોની શૈક્ષણિક કારકિર્દીના વિકાસની વાતો આપણે સૌ કરીએ છીએ અને બીજી બાજુ અનુસ્નાતક અને પીએચ.ડી. ગાઈડિશપ આ બંને બંધ કરવા તરફ જઈ રહ્યા છીએ, જે ખરેખર શિક્ષણના હિતમાં અન્યાય કરતા છે.

પ્રોફેસરોએ કુલપતિને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અન્ય યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. અને પીજી માન્યતા ન આપવા બાબત આવા કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થયા નથી તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શા માટે આવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. તો આ બાબતે વહેલી તકે યોગ્ય કરવા માગણી કરી છે. આ ઉપરાંત પરીક્ષાના મહેનતાણા બાબતે બે ત્રણ વખત અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સો ટકા યોગ્ય કાર્યવાહી થતી નથી. પરીક્ષાના ટાઈમ ટેબલ સમયે જ રિઝલ્ટની તારીખનું વાર્ષિક કેલેન્ડર બનાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *