રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ ચાલુ સપ્તાહે કમળાનાં વધુ 3 અને ટાઇફોઇડનો પણ વધુ 2 કેસ નોંધાયા છે. સાપ્તાહિક આંકડાઓ અનુસાર શહેરમાં શરદી-ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઉલટી સહિત વિવિધ રોગના 1,729 દર્દી નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને પાણીજન્ય રોગચાળો અટકાવવા ઠેર-ઠેર ક્લોરીન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.
ગત સપ્તાહે વધુ 799 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો ક્લોરીનેશન વધારવા, પીવાનું અને ગટરનું પાણી મિક્સ થાય નહીં તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા 87,890 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી છે.
દર્દીનો કુલ આંકડો 8,500 કરતા પણ વધુ હોવાની શક્યતા પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,729 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસનાં 767 કેસ, ઝાડા-ઉલટીનાં 170 કેસ, સામાન્ય તાવનાં 785 કેસ નોંધાયા છે. સતત 25માં સપ્તાહે પણ જોખમી એવા ટાઇફોઇડ તાવનો 2 અને કમળાનાં પણ વધુ 3 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ અને મેલેરિયાનો 1-1 કેસ નોંધાયો હતો. જોકે ચિકન ગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 8,500 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.