રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે ગુરૂવારથી લોકમેળો શરૂ થશે. જેને આ વર્ષે શૌર્યનું સિંદુર લોકમેળો નામ અપાયું છે. મેળામાં મોટી રાઈડસ ફિટ કરવા સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષામાં કોઈ ખામી ના રહે તે માટે શુક્રવારે જામનગરથી ટેક્નિકલ ડિપાર્ટમેન્ટની ટીમ તપાસ માટે આવી હતી.
તેમજ રાઈડસની ડિજિટલ ચકાસણી કરાઈ હતી. જેમાં રાઈડસમાં રહેલ મેટલ, થીકનેસ, વેલ્ડિંગનું નિરીક્ષણ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ કરનાર અધિકારીઓએ રાઈડસ સંચાલકોને તકેદારી રાખવા તાકીદ કરી હતી.
રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોન કાંડ બાદ પહેલીવાર મેળો થઇ રહ્યો છે ત્યારે લોકમેળામાં લોકોની જાનમાલની સલામતી અને સુરક્ષા માટે એસઓપી બહાર પાડવામાં આવી છે. રાઈડસ સંચાલકોએ લોખંડનું ફાઉન્ડેશન સુરક્ષિત છે તેવી ખાતરી આપતા બાદમાં લોખંડના ફાઉન્ડેશનને મંજૂરી આપવામાં આવી હતી. રાઈડસના તમામ પ્લોટ ફુલ થઇ ગયા છે. રાઈડસમાં બેસનારા લોકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ના થાય તે માટે યાંત્રિક વિભાગે રાઇડસની ચકાસણીની જવાબદારી થર્ડ પાર્ટીને સોંપી છે, જેથી જામનગરની એજન્સીની ટેક્નિકલ ટીમે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે રાઈડસ ઉભી કરી છે તેની ડિજિટલ મીટર સાથે ચકાસણી કરી હતી