રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સીતાજી ટાઉનશિપમાં રહેતાં ચંદ્રિકાબેન ઉપેનભાઈ પરમાર નામના મહિલાએ રાત્રિના નાનામવા સર્કલ કરણ પાર્ક નજીક કૈલાસ સોસાયટીમાં રહેતા પોતાના દેરાણી કુસુમબેનના ઘરે હતાં ત્યારે ફિનાઇલ પી લેતાં તેણીને સિવિલમાં ખસેડાયા હતાં. જ્યારે જેઠાણીએ ફિનાઈલ પી લીધા બાદ દેરાણી કુસુમબેન કલ્પેશભાઇ પરમારએ પણ ફિનાઇલ પી લેતાં તેમને પણ સિવિલમાં ખસેડાયા હતા.
તપાસમાં ચંદ્રિકાબેનનો છેલ્લા 4 વર્ષથી પતિ અને સાસરિયાં વિરુદ્ધ કોર્ટમાં ભરણપોષણ અને પ્રોપર્ટી મામલે કેસ ચાલતો હતો. જેથી દેરાણી-જેઠાણીની નાનામવા રોડ પર આવેલી કૈલાસ સોસાયટીમાં દેરાણીના ઘરે જૂના કેસ મામલે બોલાચાલી થઇ હતી. જેમાં પ્રથમ જેઠાણી ચંદ્રિકાબેન બાદમાં દેરાણી કુસુમબેને ફિનાઈલ પી લીધું હતું.
જ્યારે જેઠાણી ચંદ્રિકાબેનના સગાએ જણાવ્યું હતું કે, જૂના કેસના સમાધાન બાબતે વાત કરવા અને પૈસા લઇ જવાનું કહી દેરાણી, દિયર, સાસુ, સસરા સહિતનાએ રાત્રિના ચંદ્રિકાબેનને કૈલાસ સોસાયટીમાં બોલાવ્યા હતાં. જ્યાં માથાકૂટ થયા બાદ ફિનાઈલ પીવડાવી દીધી હતી. દેરાણી કુસુમબેને કહ્યું હતું કે, જેઠાણી જૂના કેસ બાબતે વાત કરવા દીકરીને લઇને અમારી ઘરે આવ્યા હતાં.
જેઠાણી ચંદ્રિકાબેને મારી સાથે ઝઘડો કરી પોતાની સાથે ફિનાઇલની બોટલ લાવ્યા હોય જે બોટલમાંથી ફિનાઈલ પી લીધું હતું અને માથાકૂટ થયા બાદ મેં પણ ફિનાઈલ પી લીધી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.