શહેરના પ્ર.નગર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કિશનભાઈ શૈલેષભાઈ ભટ્ટ (ઉ.વ.24)એ ગત તા.9ના ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે રેલનગરમાં રહેતા જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઇ કાથરોટિયા અને લખન કામેજળિયાના નામ આપ્યા હતા. હોમગાર્ડ જવાને જણાવ્યું હતું કે, તેઓ ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તૌફિકભાઈ મંઘરા સાથે પેટ્રોલિંગમાં હતા.
રેલનગર વિસ્તારમાં પહોંચતા દારૂના ગુનામાં ફરાર આરોપી જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઈ કાથરોટિયા રોડ ઉપર બેસેલ હોય પકડવા જતાં તે ભાગી ગયો હતો. જોકે તેનું વાહન પોલીસના હાથમાં આવી ગયું હતું.
બાદમાં હોમગાર્ડ જવાન રાતે નોકરી પૂરી કરી પરત ઘરે જતાં હતાં ત્યારે જાવલા સહિતનાએ આંતરી તમારા કોન્સ્ટેબલે મારું બાઇક જપ્ત કર્યું, એ કહેજે આપી જાય કહી છરી બતાવી હોમગાર્ડનું બાઇક લૂંટી લીધું હતું. જે મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે જાવેદ ઉર્ફે જાવલાને ઝડપી લીધો અને કાયદાનું ભાન કરાવ્યું હતું.